Tuesday, 22 July 2014

કોમનવેલ્થ (@thecgf) ગેમ્સનો આજથી પ્રારંભ


સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આજથી ૨૦મા કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે. કોમનવેલ્થનો ઉદ્ઘાટન સમારોહ બ્રિટનની મહારાણી એલિજાબેથના હાથે કરવામાં આવશે. ૧૧ દિવસ ચાલનારી આ સ્પર્ધામાં ૭૧ દેશના ૪૫,૦૦ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ૧૮ રમતો માટે કુલ ૨૬૧ મેડલ માટે જંગ જામશે. કોમનવેલ્થ ગેમ્સની વિવિધ રમતોમાં ભારતના કુલ ૨૧૫ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત પાસે આ વખતે જે રમતમાં મેડલ મેળવવાની આશા છે તેમાં બેડમિન્ટન, સ્કવોશ, હોકી, શૂટિંગ, કુશ્તી, વેઇટ લિફ્ટિંગ, લાંબીકૂદ, ડિસ્કથ્રો છે.

ભારતીય ખેલાડીઓ પર દબાણ

૨૦૧૦માં ભારતના દિલ્હી ખાતે યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ૧૦૧ મેડલ જીત્યા હતા. જે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ વખતે ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓ પાસે આ વખતે ૨૦૧૦નું પ્રદર્શન યથાવત્ રાખવાનું દબાણ રહેશે.


કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજો પર રહેશે નજર

ગ્લાસગો ખાતે શરૂ થનારા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજો પર સૌની નજર રહેશે અને તેઓ પાસેથી આ વખતે ઘણી આશા જોડાયેલી છે. ગ્લાસગો ખાતે ૮ પુરુષ અને ૮ મહિલા કુસ્તીબાજો કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. બે વખતના ઓલિમ્પિક વિજેતા સુશીલકુમાર અને યોગેશ્વર દત્ત પાસેથી ભારતને ઘણી આશા છે. આ બંને ખેલાડીઓ પોતાનાં વજનવર્ગ બદલ્યા હોવા છતાં તેઓ ભારત માટે મેડલ જીતવાના દાવેદાર રહેશે. કુસ્તી ફેડરેશન પ્રમાણે કોમનવેલ્થમાં જનારી ભારતીય ટીમ એ સૌથી મજબૂત ટીમ છે. ભારતીય મહિલા કુસ્તીબાજો પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા સક્ષમ છે.
પુરુષ ટીમ
અમિતકુમાર (૫૭ કિ.ગ્રા.), બજરંગ પૂનિયા (૬૧ કિ.ગ્રા.), યોગેશ્વર દત્ત (૬૫ કિ.ગ્રા.), સુશીલ
કુમાર (૭૪ કિ.ગ્રા.), પવનકુમાર (૮૬ કિ.ગ્રા.), સત્યવંત ર્કાિદયન (૯૭ કિ.ગ્રા.), રાજીવ તોમર (૧૨૫ કિ.ગ્રા.).

મહિલા ટીમ

વિનેશ (૪૮ કિ.ગ્રા.), લલિતા (૫૩ કિ.ગ્રા.), બબિતાકુમારી (૫૫ કિ.ગ્રા.), સાક્ષી મલિક (૫૮ કિ.ગ્રા.), ગીતિકા જાખર (૬૩ કિ.ગ્રા.), નવજ્યોત કૌર (૬૯ કિ.ગ્રા.), જ્યોતિ (૭૫ કિ.ગ્રા.).

વેઈટ લિફ્ટિંગમાં રવિકુમાર, સંજીતા ચાનું સ્ટાર ખેલાડી

ગ્લાસગોમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગ માટે ૧૫ ખેલાડીઓની ટીમ જાહેર કરાઈ છે ભારતીય વેઇટ લિફ્ટિંગ ટીમે ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ, બે સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૮ મેડલ જીત્યા હતા.


ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સઃ ૫૩ને વાઇરસની અસર

૨૦માં કોમનવેલ્થ ગેમ્સનું ગ્લાસગો ખાતે પ્રારંભ થવાનો છે એવામાં ખેલગાંવમાં વાઇરસની અસરથી બીમાર પડનારા સુરક્ષાકર્મીઓની સંખ્યા વધીને ૫૩ થઈ ગઈ હતી. આ વાઇરસની અસર અંગે વધુ પાંચ લોકોને જાણ થઈ , જ્યારે અગાઉથી જ ૪૮ લોકો વાઇરસને કારણે બીમાર થયેલા લોકો સારવાર મેળવી રહ્યાં છે. આ વાઇરસને કારણે લોકોને ઊલટીઓ થવા લાગે છે અને શરીરમાંથી પાણીનું સ્તર સતત ઘટતું જાય છે. અધિકારીઓ પ્રમાણે વાઇરસની અસર સતત ઘટી રહી છે. એક અસ્થાયી શૌચાલયને કારણે આ વાઇરસ ફેલાયા હોવાના અહેવાલ છે, જો કે હવે તે શૌચાલયને બંધ કરી દેવામાં આવ્યું છે.